સાવરકુંડલામાં મકાનના હિસ્સા જેવી મિલકત બાબતે એક જ પરિવારના સભ્યો સામસામે આવી ગયા હતા. મકાનમાં ભાગ માંગવા આવેલા જેઠના દીકરા સહિત ચાર શખ્સોએ મહિલા અને તેમના સાસુ પર લાકડીઓ વડે હુમલો કરી, વાળ પકડી ઢસડીને બેરહેમ માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી.અફસાનાબેન ઇમરાનભાઇ માલવીયાએ સાજીદભાઇ હુસૈનભાઇ માલવીયા, હુસૈનભાઇ ઇસ્માઇલભાઇ માલવીયા, શરીફાબેન હુસૈનભાઇ માલવીયા તથા અનીશાબેન સલીમભાઇ માલવીયા સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગત મુજબ, ફરિયાદી મહિલા અને તેમના સાસુ ઘરે હાજર હતા, ત્યારે તેમના જેઠનો દીકરો સાજીદભાઈ માલવીયા ત્યાં આવ્યો હતો. તેણે મકાનમાં પોતાના હિસ્સાની માંગણી કરી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન અન્ય ત્રણ શખ્સો પણ ત્યાં ધસી આવ્યા હતા અને મહિલા તથા વૃધ્ધાને બિભત્સ ગાળો આપવા લાગ્યા હતા. વિવાદ વધતા આરોપીઓએ હિંસક રૂપ ધારણ કર્યું હતું. સાજીદભાઈએ લાકડી વડે હુમલો કરી તેના ડાબા હાથની કોણીએ મૂઢ ઈજા પહોંચાડી હતી. તેમજ ફરિયાદીના સાસુને વાસાના ભાગે અને જમણા હાથના અંગૂઠા પર લાકડીના ફટકા માર્યા હતા. જ્યારે અન્ય આરોપીએ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને વાળ પકડીને ઢસડ્‌યા હતા.