અમરેલી જિલ્લામાં ગણેશ ઉત્સવને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. ગણેશ પંડાલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક છે ત્યારે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની ટીમ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર હથિયારો રાખનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર નળમાં નહેરાના કાંઠે એક ઝૂંપડામાં બનાવટી દેશી જામગરી બંદૂક રાખવામાં આવી હતી. તેને લઈ સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ પી.આઈ. આર.ડી.ચૌધરીની ટીમે પ્રથમ ચારે તરફથી વિસ્તાર કોર્ડન કરી સુલતાનભાઈ રહેમાનભાઈ લાડાને ઝડપી લીધો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. રૂરલ પોલીસ દ્વારા જામગરી બંદૂક કબ્જે લઈ આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હથિયારનો ઉપયોગ કર્યો છે કે કેમ? તે અંગે તપાસ હાથ ધરી છે.