સાવરકુંડલામાં જર,જમીન અને જોરું… ત્રણેય કજિયાના છોરું કહેવતને ચરિતાર્થ કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાવ સંદર્ભે અસ્મિતાબેન બાસીતભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫)એ સમીરભાઈ રજાકભાઈ ચૌહાણ તથા નયુમભાઈ રજાકભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના સસરા સહિત ત્રણ ભાઈઓ છે. ત્રણેય ભાઇઓની સંયુકત જમીનમાં પ્લોટ પાડ્‌યો છે. તેમની ભાયુંભાગની સરખી વહેંચણી કરી આપી ન હોવાથી કાકાજી સસરા સાથે અગાઉ બેઠક કરી હતી. તેમ છતા આ વહેંચણી કરેલી નહોતી. જેનુ મનદુઃખ રાખી આરોપીઓએ તેમને તથા ઇજા પામનારને ગાળો આપી, છરી વડે તેના પતિને પેટના ભાગે ગંભીર ઇજા કરી હતી. તેમજ તેમને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ સમીરભાઈ જાદવભાઈ ચૌહાણ (ઉ.વ.૨૨)એ બાસીતભાઈ બાબુભાઈ ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના બાપુજીના ત્રણ ભાઈઓ હતા. ત્રણેય ભાઈઓની સંયુક્ત જમીન આવેલી હતી. તેમાં પ્લોટ પાડ્‌યો હતો. તેની સરખી વહેંચણી કરી આપી હોવા છતાં પ્લોટની માંગણી કરતો હતો. જેનું મનદુઃખ રાખી આરોપીએ તેને તથા તેના ભાઈને ગાળો આપી માથામાં છરી મારી હતી અને ઢીકાપાટુ માર્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.એચ.કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.