સાવરકુંડલાના બ્રહ્મપુરી ખાતે અખાત્રીજના દિવસે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રેરિત શ્રી પરશુરામ ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો હતો. જો કે, કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં નિર્દોષ લોકોના મૃત્યુની દુઃખદ ઘટનાને પગલે, શ્રી પરશુરામ સેનાના નિર્ણયથી શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. તેના બદલે, કાણકીયા કોલેજ સામે બ્રહ્મપુરી ખાતે મૃતકોની શાંતિ માટે શાંતિ પાઠ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ૬ઃ૦૦ કલાકે ભગવાન પરશુરામ દાદાનું પૂજન અને આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ સાંજે ૬ઃ૩૦ કલાકે શાંતિ પાઠ, પુરુસૂક્તના પાઠ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાંજે ૭ઃ૩૦ કલાકે બ્રહ્મચોર્યાસી અને મહાપ્રસાદનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ “જય જય પરશુરામ” ના નાદથી ગુંજી ઉઠ્‌યું હતું.