સાવરકુંડલામાં રિવરફ્રન્ટનું કામ ચાલુ હોવાથી નાવલી નદીમાં બેસતા શાકભાજી વિક્રેતાઓની હાલત કફોડી બની જવા પામી છે. રિવરફ્રન્ટનું કામ ચાલુ હોવાથી નદીમાં હવે પાણીનો ભરાવો થયો છે. જેથી નાવલી નદીમાં બેસતા રેંકડીધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાકભાજી વેચતા લોકોને નાવલી બજારમાં બહાર રોડ પર બેસી શાકભાજી વેચવાની ફરજ પડી રહી છે. સાવરકુંડલા નગરપાલિકામાં અનેક સત્તાધીશો આવ્યા પરંતુ શાકભાજી વિક્રેતાઓ માટે કઈ કામગીરી કરવામાં આવી નથી. શહેરમાં હવે અદ્યતન શાકમાર્કેટની આવશ્યકતા હોવાનું શહેરીજનો જણાવી રહ્યાં છે. શાકભાજી વિક્રેતા રસ્તા પર શાકભાજી વેચતા હોવાથી ટ્રાફિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.








































