સાવરકુંડલા શહેરમાં સ્ટેટ હાઇવે પર એક દુઃખદ ઘટના બની છે. રોડ અકસ્માતના કારણે એક બાઇક સવારનું મોત નિપજ્યું છે. અમરેલીથી સાવરકુંડલા તરફ જતા માર્ગ પર સૂર્યોદય પેટ્રોલપંપ પાસે રોડનું કામ ચાલી રહ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું, ગઈ રાત્રે અમરેલીથી સાવરકુંડલા આવી રહેલા રામજીભાઈ પાથરની બાઇક આ ખાડામાં પડી ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક ૧૦૮ દ્વારા સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતકના કાકા વલ્લભભાઈ પાથરે જણાવ્યું હતું કે રામજીભાઈ રાત્રે ૧૦ વાગ્યે અમરેલીથી નીકળ્યા હતા અને રોડ પર કોઈ સલામતી વ્યવસ્થા ન હોવાના કારણે આ અકસ્માત થયો છે. આ ઘટનાથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સરકાર પાસે રોડ કામગીરી દરમિયાન યોગ્ય સલામતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.