સાવરકુંડલામાં આજે નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુધારવા માટે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતીકભાઇ નાકરાણી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, ચીફ ઓફિસર બોરડની સૂચનાથી તેમજ સેનિટેશન વિભાગના ચેરમેન મેઘાબેન હેમાંગભાઈ ગઢીયા દ્વારા યોગ્ય સૂચના આપવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન નગરપાલિકાના અધિકારીઓએ શહેરના ૨૦૦ વેપારીઓને સ્વચ્છતા જાળવવા અંગેની નોટિસો આપી હતી. આ સાથે જ, ખાદ્ય વિભાગની ટીમે વિવિધ રેસ્ટોરન્ટની મુલાકાત લઈને વાસી ખાદ્ય પદાર્થોનો નાશ કર્યો હતો અને રેસ્ટોરન્ટ સંચાલકોને જરૂરી સૂચનાઓ આપી હતી. નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “દિવાળીના તહેવાર દરમિયાન શહેરને સ્વચ્છ અને સુરક્ષિત રાખવું એ આપણી સૌની જવાબદારી છે. આ અભિયાન દ્વારા આપણે આપણા શહેરને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાના આપણા સંકલ્પને મજબૂત કરીશું.” નગરપાલિકા તમામ નાગરિકો અને વેપારીઓને અપીલ કરે છે કે તેઓ સ્વચ્છતા જાળવવા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં સહકાર આપે.