સાવરકુંડલા ખાતે પર્યુષણ પર્વની ભક્તિ અને ધાર્મિક માહોલ વચ્ચે મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાવીર જન્મ વાંચનના ધાર્મિક પ્રસંગ બાદ ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ નિમિત્તે ઘોડિયા પારણું પધરાવવાનો લાભ કાંતિલાલ દલીચંદ દોશી પરિવારને મળ્યો હતો. આ પ્રસંગે સાધ્વીજી મહારાજ સાહેબ તથા જૈન સંઘના શ્રાવક-શ્રાવિકાઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક વિધિ અને ભક્તિભાવપૂર્વક ઘોડિયા પારણાનો કાર્યક્રમ યોજાયો હતો. રાત્રિના સમયે ભગવાન મહાવીર સ્વામીની ભાવના યોજાતા શ્રાવક-શ્રાવિકાઓએ ભક્તિપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ ‘ત્રિશલા નંદન વીરકી, જય બોલો મહાવીર કી’ના જયઘોષથી ગુંજી ઉઠ્‌યું હતું. આ ધાર્મિક પ્રસંગે જૈન સમાજમાં આસ્થા, ભક્તિ અને આનંદનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.