સાવરકુંડલા શહેરમાં મોટી સંખ્યામાં જર્જરિત બિલ્ડિંગોની હાલત અત્યંત ચિંતાજનક છે, જે શહેરના નાગરિકોના જીવન માટે ગંભીર ખતરો બની રહી છે. દર વર્ષે ચોમાસાની શરૂઆત પહેલાં સાવરકુંડલા નગરપાલિકા દ્વારા જર્જરિત બિલ્ડિંગોના માલિકોને નોટિસો મોકલવાની પ્રક્રિયા કરવામાં આવે છે, પરંતુ આ વર્ષોથી માત્ર એક ઔપચારિકતા બની રહી છે અને નક્કર કાર્યવાહીનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. હવે જ્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે શહેરના નાગરિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું નગરપાલિકા આ વર્ષે આ જર્જરિત બિલ્ડિંગો સામે કોઈ કડક પગલાં લેશે કે કેમ? જો સમયસર કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો મોટી જાનહાનિ થવાની સંભાવના રહેલી છે. શહેરના નાગરિકો નગરપાલિકા પાસે આ ગંભીર મુદ્દે તાત્કાલિક અને નક્કર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા આ મુદ્દે શું કાર્યવાહી કરે છે, જેના પર શહેરની જનતાની નજર
ટકેલી છે.