સાવરકુંડલા શહેરના નેસડી રોડ પર નાળા નજીક ગેરકાયદે રેતી ચોરીની પ્રવૃત્તિ સામે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. આસપાસના વાડી વિસ્તારના ખેડૂતો એકત્ર થઈ જનતા રેડ કરીને રેતી ભરેલું ટ્રેક્ટર રંગેહાથ ઝડપી પાડી સાવરકુંડલા પોલીસને સોંપ્યું. લાંબા સમયથી આ વિસ્તારમાં રેતી ચોરીની અનેક રજૂઆતો થવા છતાં સત્તાવાળાઓ દ્વારા કોઈ સખત પગલા ન લેવાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે આવી ગેરકાયદે ખનન પ્રવૃત્તિ નદીના પટને નુકસાન પહોંચાડે છે અને ખેતી પર નકારાત્મક અસર કરે છે. પોલીસે પકડાયેલા ટ્રેક્ટરની તપાસ શરૂ કરી છે તેમજ ખાણ-ખનીજ વિભાગને રિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરી છે. આ બનાવે ફરી એકવાર ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરવાની માંગને વેગ આપ્યો છે.








































