સાવરકુંડલામાં એસટી તંત્ર દ્વારા મુસાફરોને બારોબાર ઉતારી દેવાતા સ્ત્રી વર્ગના મુસાફરો તથા વૃદ્ધોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં અમદાવાદ, ગારિયાધાર, વંડા, જેસર તથા અંબાજી તરફથી આવતી તમામ એસટી બસો જૂના બસ સ્ટેશન કે નદીમાં આવતી નથી અને પોલીસ સ્ટેશન પાસે જ ઉભી રાખી મુસાફરોને ઉતારી દેવામાં આવે છે. લાંબા અંતરની મુસાફરી કરીને આવતા મુસાફરો પાસે વધુ સામાન હોય ત્યારે રીક્ષા ન મળવાના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાય છે. એસટી બસ જ્યાં મુસાફરોને ઉતારે છે ત્યાં રાત્રિના સમયે અંધારૂં હોવાના કારણે રીક્ષાઓ હોતી નથી જેના કારણે એકલ દોકલ મુસાફરોને જ્યારે પરિવારમાંથી કોઇ લેવા આવી શકે તેમ ન હોય ત્યારે સામાનનો વજન ઉંચકી દૂર સુધી પગપાળા જવાનો વારો આવે છે. ત્યારે આ અંગે યોગ્ય કરવામાં આવે તેવી સાવરકુંડલાના લોકોમાંથી માંગ ઉઠવા પામી છે.