સાંપ્રત સમયમાં દીકરીઓની સુરક્ષા એક ખૂબ જ મોટો પ્રશ્ન બની ગયો છે, એ પૈકી જાતીય શોષણની સમસ્યા વધારે જોવા મળે છે. આવા બનાવ ૫થી ૧૫ વર્ષની દીકરીઓ સાથે વધારે થતાં હોય છે જેથી ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક ધારાબેન ગોહિલે સાવરકુંડલામાં એક નવી ઝુંબેશ શરૂ કરી છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં જઈને બાળકોને ગુડ ટચ, બેડ ટચ અને સેફ્ટી ટિપ્સની સમજ આપવામાં આવી હતી અને સાથે આત્મવિશ્વાસથી ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર કઈ રીતે આવવું એના વિશે સવિસ્તર માહિતી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટના જાન્વીબેન, ધારાબેન, ચિરાગભાઈએ ત્રણથી ચાર સ્કૂલમાં આ સેમિનાર યોજ્યો છે અને ભવિષ્યમાં સાવરકુંડલા તાલુકાની તમામ શાળાઓમાં આ સેમિનાર યોજીને દીકરીઓને સક્ષમ અને સાવચેત કરવાની નેમ પણ ધરાવે છે.