સાવરકુંડલાની વી.ડી. ઘેલાણી મહિલા આટ્‌ર્સ કોલેજમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તા.૧ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો વર્ગખંડમાં યોજાઈ ગયા હતા. જેમ કે સંસ્કૃત વિભાગ દ્વારા ટી.વાય.બી.એ.માં અભ્યાસ કરતી બહેનોને જીવ, જગત, બ્રહ્મ ઈશ્વર, માયા, વિદ્યા, શ્રીમદ ભગવત ગીતા, ભાગવત પુરાણ, મત્સ્ય પુરાણ, વિષ્ણુના ૧૦ અવતાર, વિવિધ ઔષધીઓનું મહત્વ જેવા વિષયો પર પ્રોજેક્ટ ફાઈલ બનાવવા આપી હતી. બહેનોએ સુંદર ફાઈલો બનાવી હતી. આ ઉપરાંત શ્રીમદ ભગવત ગીતાના જ્ઞાન કર્મ અને ભક્તિ યોગ ઉપર સુંદર વક્તવ્ય વિદ્યાર્થિની બહેનોએ આપ્યા હતા. કુલ ૨૬ બહેનોએ પ્રોજેક્ટ વર્ક તૈયાર કર્યું હતું. આ ઉપરાંત એસ.વાય.બી.એ.માં અભ્યાસ કરતી બહેનોએ રામાયણ, મહાભારત, કાલિદાસની સાત કૃતિઓ, ભાસની કૃતિઓ ભટનારાયણ, વેદ વ્યાસ, ઋષિ વાલ્મિકી, વશિષ્ઠ ઋષિ, કાલિદાસની કૃતિઓમાં જોવા મળતો શાપ તત્વ ઋષિ દેવતા અને છંદનું વેદમાં મહત્વ, પ્રમુખ ઉપનિષદ ગ્રંથ વગેરે વિષયો ઉપર સુંદર પોસ્ટર બનાવ્યા હતા. તેમાં કુલ ૨૩ બહેનોએ ભાગ લીધો હતો.