સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલો અને તાલુકાના લોકોનું એકમાત્ર મુખ્ય ફરવા લાયક સ્થળ ગણાતો ‘જનતા બાગ‘ હાલ અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. નગરપાલિકા તંત્ર અને અગાઉના સત્તાધીશો દ્વારા પૂરતી જાળવણી કરવામાં ન આવતા આ સુંદર બગીચો આજે જંગલમાં ફેરવાઈ ગયો છે. બગીચામાં ચારેય તરફ એટલું બધું ઘાસ અને ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે કે ત્યાં ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. દોડધામ ભરેલા જીવનમાં માનસિક શાંતિ આપતા આ સ્થળે હવે સવારે વોકિંગ, વ્યાયામ કે આરામ માટે આવતા નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રવિવાર અને તહેવારોના દિવસોમાં લોકોનું મનપસંદ રહેલું આ સ્થળ સફાઈના અભાવે બિનઉપયોગી બન્યું છે. શહેરીજનો દ્વારા સત્તાધીશો પાસે આ બગીચાની સફાઈ કરવા અને સુવિધાઓ પુનઃસ્થાપિત કરવા તાકીદે માંગ કરાઈ છે.








































