કે.કે. હાઈસ્કૂલ અને કે.કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલમાં શનિવારે ઝ્રછ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વર્ષા ગીતોનો મનમોહક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવ વિદ્યાર્થીઓ (પાંચ ભાઈઓ અને ચાર બહેનો) એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમના સૂરીલા કંઠે ગવાયેલા વર્ષા ગીતોએ પ્રાર્થના હોલમાં વર્ષાઋતુનું વાતાવરણ સર્જ્યું હતું. કાર્યક્રમની શોભા વધારવા હિરેનભાઈ પરમારે તબલા પર અને એક અન્ય કલાકારે મંજીરા પર સંગત આપી હતી. શિક્ષક જાગૃતભાઈ દવેએ ‘મોર બની થનગાટ કરે’ ગીત રજૂ કર્યું હતું, જ્યારે શિક્ષિકા ભૂમિકાબેન ઢગલે ‘વા વાયા ને વાદળ ઉમટ્યા’ ગીત ગાયું હતું. શિક્ષક માંજરિયાભાઈએ લોક સાહિત્યની શૈલીમાં ‘આભમાં ઝીણી ઝબૂકે વીજળી’ ગીત રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.સંસ્થાના પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયાએ તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શિક્ષિકા વર્ષાબેન પટેલે પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયાના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.