સાવરકુંડલા તાલુકાના વંડા ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. માથાના અસહ્ય દુખાવાથી પીડાતી એક પરિણીતાએ પોતાને ગંભીર બીમારી હોવાની ખોટી શંકાના ડરથી એસિડ પી લેતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.રમેશભાઇ મનુભાઇ બગડાએ જાહેર કર્યા મુજબ, મણીબેન મનુભાઇ બગડા (ઉ.વ.૪૨) ને છેલ્લા કેટલાક સમયથી માથામાં સતત દુખાવો રહેતો હતો. આ દુખાવાના કારણે તેમના મનમાં એવી શંકા ઘર કરી ગઈ હતી કે તેમને માથાનું કેન્સર થઈ ગયું છે. આ બીમારીના ડર અને માનસિક મૂંઝવણના કારણે તેઓ ભારે ચિંતામાં રહેતા હતા. કેન્સર જેવી જીવલેણ બીમારીના માત્ર ડરથી પરિણીતાએ હિંમત હારી જઈ ઘરે એસિડ પી લીધું હતું. ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર બાદ તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.








































