સાવરકુંડલાના વંડા ગામની પી.પી.એસ. હાઇસ્કૂલમાં અભ્યાસ કરી ચુકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પ્રફુલ છગનભાઇ નાકરાણી જેઓ મધ્યપ્રદેશ, ચેતન નરસિંહભાઇ કાછડિયા તથા નવનીત કરશનભાઇ કાછડિયા સુરતમાં તેમજ અનિલ ચુનીલાલ નાકરાણી બેંગલોર ખાતે બિઝનેસ કરી રહ્યા છે. તેઓએ તેમના આજુબાજુના વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કર્યું છે. તેમણે વતન વંડા-પિયાવામાં અને બાજુના ગામોમાં પણ પર્યાવરણના વિકાસ માટે એક અનોખી પહેલ કરી છે. જેમાં તેઓએ અંબુજા ફાઉન્ડેશન સાવરકુંડલાનાં મેનેજર સુનિલભાઇ ચુડાસમા તથા તેમના સહકર્મી ખુમાણ આણદુભાઇનાં સહયોગથી હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓને ગુલમહોર, વડલો, પીપળો, કણજી, સરગવો, જમરૂખ, આંબા જેવા ૫૦૦ રોપાઓનું જૂન માસ દરમિયાન વિતરણ કરાવ્યું હતું. તે તમામ રોપાઓનું તેમજ લેનાર વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી વૃક્ષોના નંબર આપ્યા હતા.






































