મૂળ સાવરકુંડલાના લીખાળા ગામના વતની અને હાલ અમેરિકા સ્થિત અતુલભાઈ રણછોડભાઈ રાદડિયા તથા તેમના ધર્મપત્ની દક્ષાબેનના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલાની સરકારી કન્યા શાળા નંબર-૨માં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુંબઈના ગૌસેવક જયેશભાઈ માટલીયાના સહયોગથી શાળાની ૪૦૦ દીકરીઓને શ્રીખંડ-પૂરીનું સ્વાદિષ્ટ ભોજન કરાવાયું હતું. દીકરીઓની સુરક્ષા અને જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ગુડ ટચ અને બેડ ટચ ની સમજ અપાઈ હતી. સાથે જ નારી અદાલતના હેતલબેન જોષી અને તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા મહિલા હકો અને સરકારી યોજનાઓની સચોટ માહિતી આપવામાં આવી હતી.