સાવરકુંડલાના મેરિયાણા ગામે હિતેશભાઈ ખાતરણીના બળદનું સિંહ દ્વારા મારણ થતાં ખેડૂતને ભારે દુઃખ થયુ હતું. પોતાના પરિવારના સભ્યની જેમ રાખતા બળદને ગુમાવ્યાના સમાચારથી તેઓ ખૂબ જ વ્યથિત થયા હતા. હિતેષભાઈએ પોતાના બળદને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. ખેડૂતે પોતાના ખેતરમાં જ બળદને સમાધિ આપવાનો નિર્ણય લીધો અને સુરતથી પોતાના પરિવારના સભ્યો અને પિતા મનસુખભાઈને બોલાવ્યા હતા. પરિવારના તમામ સભ્યો, સગા-વહાલા અને મિત્રોની હાજરીમાં બળદને સમાધિ આપવામાં આવી હતી. હિતેશભાઈએ પશુ પ્રત્યેનો પ્રેમ પોતાના બાળકોમાં જળવાઈ રહે તે માટે ખાસ તેમને સમાધિ સમયે હાજર રાખ્યા હતા. બળદની યાદમાં તેમણે સમાધિ ઉપર એક વૃક્ષ વાવીને તેને ઉછેરવાનો સંકલ્પ કર્યો છે. પોતાના પશુ પ્રત્યે હિતેષભાઈનો આવો પ્રેમ જાઈ અનેક લોકોની આંખો ભીંજાઈ ગઈ હતી.