ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં છેલ્લા કેટલાક કલાકોથી ધરા ધ્રુજી રહી છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. રાત્રિના સમયથી શરૂ થયેલો આ સિલસિલો સવારના ૯ વાગ્યા સુધી યથાવત રહ્યો હતો અને આ ટૂંકા ગાળામાં કુલ ૮ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે ૪૩ કિલોમીટર દૂર આવેલું છે. જોકે રાહતની વાત એ છે કે આ આંચકાઓને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટી માલહાનિના સમાચાર સામે આવ્યા નથી તેમ છતાં વારંવાર આવતા આંચકાઓને લીધે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. સ્થાનિક સરપંચ મનસુખભાઇએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઘણા સમયથી ઝીણા આંચકા આવે છે જે સામાન્ય રીતે અનુભવાતા નથી પરંતુ હાલની સ્થિતિએ લોકોમાં ચિંતા વધારી છે. હાલ પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને ગભરાયા વગર સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.