સામાન્ય રીતે દિવાળીના દિવસો નજીક આવે એટલે ભારતીય સંસ્કૃતિમાં લોકો પોતાના ઘર, દુકાન, ફેક્ટરી વગેરેની સાફ-સફાઈ અને સુશોભન માટે એકાદ દિવસ કે રાત્રિ સમય ફાળવીને પણ ત્યાં ઝગમગાટ કરતાં જોવા મળે છે. એવી જ રીતે દિવાળી એ સૌથી મોટો તહેવાર હોવાથી મંદિરોમાં પણ સાફ સફાઈ અને સુશોભન કરવામાં આવે છે. સાવરકુંડલા શહેરમાં પણ હાથસણી રોડ નાગનાથ સોસાયટી સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં શિવમંદિરના પૂજારી અને સેવક પ્રશાંતભાઈએ મંદિરની સાફ-સફાઈ કરી હતી. અન્ય મંદિરોમાં પણ લાઈટથી તેમજ દિવડાઓથી સુશોભિત કરી ઝગમગાટ જોવા મળ્યો હતો. આમ પણ ચોમાસાના દિવસો પૂર્ણ થતાં મંદિરોના પ્રાંગણમાં ઉગેલ બિનજરૂરી ઘાસ કે છોડને દૂર કરી મંદિરનાં પ્રાંગણને રળિયામણાં બનાવવામાં આવે છે. વિવિધ રંગોળી દ્વારા સુશોભિત કરવામાં આવે છે.