સાવરકુંડલા તાલુકાના ધાર અને પિયાવા વચ્ચે ૫ કિલોમીટરનો માર્ગ ૨૦૨૨માં મંજૂર થયો હતો. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત દ્વારા ખાતમુહૂર્ત કર્યા બાદ ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. ભાજપના વર્તમાન ધારાસભ્યને ૨ વર્ષ પૂર્ણ થયા છતાં રોડ હજુ સુધી બન્યો નથી. જેની નારાજગી સાથે આજે પ્રતાપભાઈ દુધાતે સ્થાનિક લોકો સાથે હનુમાન મંદિરના પટાંગણમાં સત્યનારાયણની કથા યોજી અને નવતર વિરોધ સરકાર સામે દર્શાવ્યો હતો. પ્રતાપભાઈ દુધાત અને ગ્રામજનોએ રામધૂન બોલાવી પૂજા અર્ચના કરી રોડ બનાવવા માટે સત્તાધીશોને જગાડવા માટેનો પ્રયાસ કર્યો હતો. ભગવાન સરકારને સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જ્યારે ૧૫ વર્ષથી રોડ અત્યંત બિસ્માર હોવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. નાના મોટા અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે, જેના કારણે લોકો વધુ પરેશાની ભોગવી રહ્યા છે.