સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિજયભાઈ (કનુભાઈ) ડોડીયાએ સાવરકુંડલા નગરપાલિકા તંત્ર અને સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, જેસર રોડ તરફના વિસ્તારોમાં છેલ્લા છ માસથી ચાલી રહેલી કામગીરી માત્ર નામના પૂરતી અને પ્રસિદ્ધિ મેળવવા માટે જ હોય તેવું પ્રતીત થાય છે. વોર્ડ નંબર ૮ ના જેસર રોડ પરના પીકઅપ બસ સ્ટેન્ડથી વિજયાનગર રોડ પરના ગીતાંજલી સોસાયટી, સહયોગ રેસિડેન્સી સુધીના રોડ-રસ્તા અને ગટરના કામો છ મહિના પહેલા શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી તે પૂર્ણ થયા નથી. આ કામો અધૂરા પડ્‌યા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, આ વિસ્તારોમાં ચાલી રહેલા ગેસ પાઈપલાઈનના કામ દરમિયાન ખોદકામ બાદ પણ નગરપાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં નિષ્ફળતા મળી છે, જેથી રોડ-રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. હાલ આ રોડ પર ગંદકી અને કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.