અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગણેશગઢ ગામે આવેલા રામજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પાવન પ્રસંગે સંતો-મહંતો અને કથાકારોએ ઉપસ્થિત રહી ભાવિક ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ મહોત્સવમાં મોરારીબાપુ, લાલજી મહારાજ, દ્વારકેશ લાલજી મહારાજ, નાનાલાલજી પુષ્યેન્દ્ર પ્રસાદ મહારાજ અને વક્તા છપૈયપ્રકાશ દાસજી સ્વામી સહિત અનેક સાધુ-સંતો અને મહંતો સહભાગી થયા હતા. આ ઉપરાંત, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડીયા સહિત અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પૂજન-અર્ચન, યજ્ઞ, પ્રતિષ્ઠા, હોમ, ધ્વજારોહણ, ભવ્ય શોભાયાત્રા, સંતવાણી, ભજન-કીર્તન, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, બીડું હોમ વગેરે જેવા વિવિધ ધાર્મિક પ્રસંગોની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.









































