(૧) વ્રત કરવામાં અને પાણીપુરી ખાવામાં ભાઈઓ કરતા બહેનો આગળ કેમ?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
ફાકી અને ફાંકામાં અમે આગળ છીએ હોં!
(૨) ગઈકાલે ગાજરનો હલવો ખાધો. આજે દુધીનો હલવો ખાધો. તો આવતીકાલે કયો હલવો ખાવો?
રિશિતા વ્યાસ (સુરત)
ખાધા વિના હલવો.
(૩) આ કોલમમાં સવાલ પૂછનારના ફોટો પણ છાપતા હો તો?
નીરવ ડણાંક (અમરેલી)
તમે મારો એકનો ફોટો છપાય છે એ પણ બંધ કરાવશો એમ લાગે છે!
(૪) પ્લેનમાં બેસવાની બીક લાગે છે. શું કરવું?
દર્શન પટેલ (વડોદરા)
ઉભા-ઉભા જાઓ!
(૫) મારો છોકરો દસમાં ધોરણમાં આવ્યો છે. કોઈ સૂચન?
રામભાઈ પટેલ (સુરત)
હા, એને કીધા ન કરવું કે તું દસમાં ધોરણમાં આવ્યો છે.
(૬) ન્યૂઝ પેપર ક્યાં ઝાડમાંથી બને છે?
જયેશ રાઠોડ (બાબરા)
કયું ન્યૂઝપેપર છે એ લખો તો ખબર પડે!
(૭) ચોખાનો દાણો અને મગનો દાણો બન્ને ચકો જ લઈ આવે છે. તોય કેમ હવે કોઈને જલદી ચકી મળતી નથી ?
કનુભાઈ પરમાર (દામનગર)
મગ અને ચોખાની બનાવવાની તો ખીજડી જ ને! અને ચકીને ખીચડી ભાવતી નથી.
(૮) સમગ્ર વિશ્વમાં પાડોશી દેશો એકબીજા સાથે દુશ્મનાવટ કેમ રાખે છે ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
પાકિસ્તાનની નકલ.
(૯) વરસાદ પાણી જેવો કેમ છે સાહેબ?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
પાણા જેવો હોત તો છાંટો પડત એટલા ખાડા પડત.
(૧૦) ટેન્શનનું કનેક્શન મગજ સાથે હોય છે તેમ છતાં હાર્ટએટેક કેમ આવે છે ?
સૈયદ રાબિયા (બાબરા)
આપણું જોડાણ ગુજરાતી ભાષા સાથે છે છતાં બોલવામાં અંગ્રેજી આવે છેને?!
(૧૧) સાદી દાળને તડકામાં ખાઈએ તો દાળતડકાનો સ્વાદ આવે ખરો?
મહેન્દ્ર મકવાણા સોખડા રાધુ (કરજણ વડોદરા)
અખતરા રહેવા દો. પાણીપુરી પાણીમાં બેસીને ખાઈએ તો કાંઈ પાણીનો સ્વાદ ન આવે.
(૧૨) ગુંદા તો ભીંડા કરતા પણ વધારે ચીકણા હોય છે, તો માણસને ભીંડો છોડી ગુંદા સાથે જ ન સરખાવવો જોઈએ?
એકતા ‘‘આસ્થા’’(કેનેડા)
ગુંદાને કોઈ પોતાની સરખામણી માણસ સાથે કરે એ ગમતું નથી. ભીંડાને ગમે છે.
(૧૩) તમે ચોર હોત તો?
હરપાલસિંહ સોલંકી (કંબોઇ- ચાણસ્મા)
તમને ભાગીદાર બનાવત!
(૧૪) સાહેબ..! શ્રાવણમાં ફરાળ કરાય..?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
તમે ફરાળમાં શ્રાવણ કરો.
(૧૫) કાગડા કાળા જ કેમ હોય?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
કેમ કે ગધેડા ધોળા હોય છે.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..










































