(૧) આજની પેઢી રખડું, આળસુ, વ્યસની, દિશાહીન, ધ્યેયહીન, બાપના પૈસે તાગડધિન્ના કરનાર છે. આમાં વાંક કોનો? ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
જીવ બાળો મા, તમારો એકલાનો નથી.
(૨) ચકલા ક્યારેય બાજ કેમ ન બની શકે?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
બાજ પણ ચકલા ક્યાં બની શકે છે?
(૩) કોઈને મારવા માટે આપેલા કોન્ટ્રાક્ટને ‘સોપારી’ જ કેમ કહેવામાં આવે છે?
મહેન્દ્ર મકવાણા (કરજણ વડોદરા)
ગુનાખોરીની દુનિયામાં ઝંપલાવવાનો (કુ)વિચાર તો નથીને?!
(૪) સાહેબ..! માણસ ગાંડો કેમ થઈ જતો હશે?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
કોઈક ડાહ્યા માણસની અડફેટે ચડી ગયો હશે!
(૫) ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈબહેન છે તો લગ્નના માંગા પાકિસ્તાનમાં નાખી શકાય?
પરમાર હર્ષિદા ટી. ( વા-સોજીત્રા પાટણ)
એના કરતાં કુંવારા રહેવું સારું.
(૬) પ્રેમ અને પૈસાના માર્ગમાંથી કયો માર્ગ પસંદ કરવો જોઈએ? કનુભાઈ પરમાર (દામનગર)
લે હજી સુધી તમે માર્ગ પણ પસંદ નથી કર્યો?
(૭) માટે ત્રણ ભાભી મા સમાન. મારે ભત્રીજા છે. એને મારે બોલાવવા હોય તો કઈ રીતે બોલાવવા?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
તમે કાકા મટી ને ભત્રીજા બનવાનો પ્રયત્ન ન કરો.
(૮) વેકેશન ખુલી ગયું એટલે હું બહુ રાજી થયો છું. તમે?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
બે ત્રણ તોફાની છોકરાંઓના બાપ લાગો છો!
(૯) તમે વરસાદની આગાહી કયારે કરશો?
રતિલાલ ડાભી (લીલીયા મોટા)
હવે મારે આગાહી કરવાની જરૂર જ નથી પડતી. વરસાદ સમજીને એના સમયે આવી જ જાય છે.
(૧૦) દરેક ડાક્ટર પોતાની ફીના નાણાં કેમ રિસેપ્શન કાઉન્ટર ઉપર આપવા એવું જણાવે છે?
યોગેશભાઈ આર જોશી(હાલોલ)
ડોક્ટર બિચારા પૈસા ગણવામાં રહે તો સારવાર કોણ કરે, રિસેપ્શનિસ્ટ?!
(૧૧) કર ભલા તો હોગા ભલા પણ કરવાનું શું?
જય દવે (ભાવનગર)
કાંઈ કરવાનું નથી. આ સુવિચાર પાંચ જણાને મોકલી દો એટલે તમારું કામ પૂરું.
(૧૨) મારે મકાન લેવા લોન લેવી છે. તમે મારા જામીન થાશો?
રમાબેન પટેલ (અમદાવાદ)
મારે મકાન વેચવું નથી!
(૧૩) કંપનીવાળા ઓફર કે પ્રલોભન માટે આપણને કોલ કરે છે તો તેમને આપણો નંબર ક્યાંથી મળતો હશે ?
જીગર આહીર (દાત્રાણા-પાટણ)
“ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ” એવું એક હિન્દી ફિલ્મનું ગીત છે.
(૧૪) આપણા દેશમાં સિંહની સંખ્યા વધે છે ને પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધવાનું કારણ?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
ચીન પાકિસ્તાનથી ગધેડા આયાત કરે છે. પાકિસ્તાન ચીનને ના કેમ પાડી શકે?
(૧૫) બધાં એમ કેમ કહેતા હશે કે દાંત બહુ કાઢયા ? દાંત કાઢવાથી તો બોખા થઈ જવાય!
ધોળકિયા પ્રવિણભાઇ લાલજીભાઈ (અમરાપરા બાબરા)
હવે ક્યાં કોઈ દાંત કાઢે છે. અમુક લોકો હસે છે ને અમુક તો માત્ર સ્માઈલ જ કરે છે!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..