(૧) આપશ્રી પૂજાપાઠ કરવા બેસો ત્યારે આપનું ચિત્ત સામે પડેલ પ્રસાદીમાં જ હોય છે કે પૂજાપાઠમાં?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ ચિત્તલ અમરેલી
તમે એટલું તો સ્વીકાર્યું કે હું પૂજાપાઠ કરવા બેસું છું!
(૨) ટાલવાળા પૈસાવાળા અને બુદ્ધિવાળા હોય છે ?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
બુદ્ધિવાળા અને પૈસાવાળા ટાલવાળા હોય છે!
(૩) ઋતુઓને બદલે એક દિવસ ઠંડી એક દિવસ ગરમી એવું ગોઠવ્યું હોત તો?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
આમાં વરસાદનું પણ કંઈક વિચારો.
(૪) ચિંપાઝીમાં પણ બુધ્ધિ હોય એ વાત સાચી?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
સરસ બૌધ્ધિક સવાલ છે આપનો!
(૫) વાચક મિલન ગોઠવો.
જય દવે (ભાવનગર)
વાચક ક્યાંથી કાઢવા?!
(૬) આધારકાર્ડના ફોટામાં અને લગ્નના ફોટામાં શું ફરક?
મહેન્દ્ર મકવાણા (કરજણ)
આધારકાર્ડના ફોટામાં મેકઅપ કરેલો ન હોય.
(૭) ‘કભી અલવિદા ના કહેના’ તો કોઈ જાતું હોય તો શું કહેવું?
રમાબેન પટેલ (અમદાવાદ)
જે કહેવું હોય એ કહેવું પણ બાય કહીને માતૃભાષાની હાય ન લેવી.
(૮) બરફ પાણીમાં કેમ તરતો હશે?
જયેશ રાઠોડ (બાબરા)
એમાં તમને શું વાંધા પડ્યા?
(૯) રમેશ નામ હોય એ બધા રોજ મેશ આંજતા હશે ?
છગનભાઈ દેવરાજભાઈ (ધંધુકા)
એવું હોય તો તો તમારી પાસે છ ગન હોવી જોઈએ!
(૧૦) ભારતની ઉત્તર દિશાએ ધડાકાનો અવાજ સંભળાય છે?
કનુભાઈ પરમાર (દામનગર)
ઉત્તરમાં ચીન છે. ત્યાં અવાજ ન આવે, સુરસુરિયા થાય.
(૧૧) સાહેબ..! ટાલિયાનાં છોકરા ટાલિયા જ કેમ હોય?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
મોરના ઈંડા ચીતરવા ન પડે એટલે.
(૧૨) ભેંસ આગળ ભાગવત ના કરાય તો શું કરી શકાય?
જીગર આહીર (દાત્રાણા- પાટણ)
નિરણ નાખો.
(૧૩) સરકારી પરીક્ષામાં ફેલ થયા પછી પણ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ?
ગરૈયા મનિષા એ. (દરેડ)
કોશિશ કરને વાલે કી હાર નહી હોતી. બાકી તમારી મરજી.
(૧૪) પરસેવા અને પર સેવામાં શું ફેર?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
વળે એ પરસેવો અને ફળે એ પર સેવા.
(૧૫) પૂજાના લગ્ન થાય તો એના પતિએ પૂજા કરવી પડે?
કમલેશ મકવાણા (વડોદરા)
સવારસાંજ પગે લાગી લે તો પણ ચાલે.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..