પ્રખ્યાત ઉર્દુ સાહિત્યકાર ગોપીચંદ નારંગનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની તબિયત છેલ્લા કેટલાક સમયથી સારી નહોતી. તેમણે અમેરિકામાં અંતિમ શ્વાસ લીધા હતા. નારંગ દેશ અને દુનિયાભરમાં ઉર્દૂ સાહિત્ય માટે જોણીતા હતા. આ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર અને પદ્મ ભૂષણ પણ આપવામાં આવ્યા છે. ગોપીચંદ નારંગે ઉર્દૂ ઉપરાંત અન્ય ઘણી ભાષાઓમાં પણ તેમના પુસ્તકો લખ્યા છે.
ગોપીચંદ નારંગ ૯૧ વર્ષના હતા અને અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતા હતા. તેમના મૃત્યુની માહિતી તેમના પુત્ર દ્વારા આપવામાં આવી હતી. ગોપીચંદ નારંગે દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જે બાદ તેઓ પ્રોફેસર પણ હતા. તેમની સાહિત્યની આ સફરમાં નારંગને અનેક પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. તેમના મૃત્યુના સમાચાર મળતા જ તેમના ચાહકોએ તેમને સોશિયલ મીડિયા પર યાદ કર્યા. નારંગે પોતાના ચાહકોના દિલમાં ખાસ સ્થાન જમાવ્યું હતું.
ગોપીચંદ નારંગનો જન્મ ૧૯૩૧માં બલૂચિસ્તાનમાં થયો હતો. ગોપીચંદે લગભગ ૫૭ પુસ્તકો લખ્યા છે, જેમાં હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ ભાષાઓમાં પુસ્તકોનો સમાવેશ થાય છે. જદીદિત, મસાઇલ, ઇકબાલ કા ફન, અમીર ખુસરોની હિંદવી કલામ અને ઉર્દૂ અફસાના રાયત જેવી તેમની તેજસ્વી કૃતિઓ માટે તેમને યાદ કરવામાં આવે છે.’