સાવરકુંડલા શહેરમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા વિનામૂલ્યે નેત્રયજ્ઞ અંતર્ગત તા. ૦૫-૧૧-૨૦૨૫ ના રોજ ૩૪૨મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં આયોજિત આ કેમ્પમાં વીરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પમાં મોતિયાના ૬૦ દર્દીઓની તપાસ અને ૨૨ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે વીરનગરની આંખની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે અન્ય દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી. ૩૪૨મા મહા નેત્રયજ્ઞનું દીપ પ્રાગટ્ય સંસ્થાના વડા શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના કોઠારી અક્ષરમુક્તદાસ સ્વામી, નૂતન કેળવણી ટ્રસ્ટના કનુભાઈ ગેડીયા, ગુરુકુળ હોસ્પિટલના ડોક્ટર નિલેશભાઈ ત્રિવેદી તથા વીરનગર હોસ્પિટલના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.