સાવરકુંડલાની કે.કે. સરકારી હોસ્પિટલમાં ફરજ પર બેદરકારી દાખવવા બદલ મહુવા સરકારી હોસ્પિટલના રેડિયોલોજિસ્ટ ડા. નિર્મોહી દેસાઈને નોટિસ પાઠવાઈ છે. ૪ સપ્ટેમ્બરે સોનોગ્રાફી માટે ૫૦ જેટલી ગર્ભવતી મહિલાઓ સવારે ૮ વાગ્યાથી હાજર હતી, પરંતુ ડાક્ટર બપોરે ૧૨ઃ૩૦ કલાકે પહોંચ્યા હતા. વિલંબને કારણે મહિલાઓને ભારે હાલાકી સહન કરવી પડી હતી. આ ઉપરાંત ડાક્ટર દેસાઈ અગાઉ પણ ફરજ દરમિયાન ગેરહાજર રહી હાજરી પત્રકમાં સહી કરવા અંગે તબીબી અધિકારીઓએ લેખિતમાં જાણ કરી હતી. નોટિસમાં તેમના ગેરવર્તન, અનિયમિતતા અને રાજકીય પ્રોત્સાહન હેઠળ મનમાની રીતે કામ કરવાની ફરિયાદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી સગર્ભા મહિલાઓ, આશા વર્કરો અને દર્દીમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તંત્ર સામે માંગ છે કે આવા બેદરકાર ડોક્ટર સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં ગર્ભવતી મહિલાઓને આ રીતે પીડા સહન ન કરવી પડે.





































