સાવરકુંડલા શહેરમાં મહાદેવ સોસાયટીમાં સ્કોર્પિયો કારમાંથી દારૂ સગેવગે થાય તે પહેલા જ એલસીબી ટીમ ત્રાટકી હતી અને ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૭ર બોટલો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ જ વિસ્તારના રઘુભાઇ કાળુભાઇ લોમા તથા શાંતિભાઇ વિક્રમભાઇ બોરીચાને ઝડપી પાડ્યા હતા. તેની પૂછપરછમાં અન્ય ૪ શખ્સો હરેશભાઇ દરબાર, ભાવેશભાઇ ધાખડા, નિમેશભાઇ વાડદોરીયા તથા ટીણાભાઇ નામના શખ્સોનું નામ ખુલવા પામતા પોલીસે આ આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. પકડાયેલ આરોપીઓ પૈકી એક આરોપી સામે અગાઉ બે ગુના નોંધાઇ ચૂક્યા છે. જ્યારે એક આરોપી સામે અગાઉ એક ગુનો નોંધાઇ ચૂક્યો છે. પોલીસે રેઇડ દરમિયાન દારૂની ૩૭ર બોટલ સહિત કુલ રૂ. ૩,૦પ,૦ર૦નો મુદ્દામાલ કબજે કરી પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.