સાવરકુંડલા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. આ અવસરે નગરપાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી, એ.એસ.પી. મલય વૈદ્ય, મામલતદાર, ચીફ ઓફિસર, આર.એફ.ઓ. ઉપસ્થિત રહ્યા હતા. આ તિરંગા યાત્રા કાણકીયા કોલેજથી શરૂ કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં શહેરના નાગરિકોએ પુષ્પવર્ષા કરીને તિરંગા યાત્રાને વધાવી હતી. સમગ્ર યાત્રા દરમિયાન જય હિન્દ અને વંદે માતરમના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ યાત્રામાં વહીવટી તંત્ર, શૈક્ષણિક સંસ્થાઓ, નગરજનો, પોલીસ પરિવાર, હોમગાર્ડ, ભાજપ પરિવાર સહિત વિવિધ સમાજના લોકો, શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.