સાવરકુંડલા શહેરમાં ચાલી રહેલા ગટરના કામની અસર હવે વેપારીઓના ધંધા પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. રિદ્ધિ-સિદ્ધિ ચોકથી ભુવા રોડ સુધીના વિસ્તારમાં ચાલતા આ કામને કારણે જ્યાં ખોદકામ ચાલુ છે, ત્યાંના વેપારીઓ હાલ ધંધા વગરના થઈ ગયા છે, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને નાના ધંધાદારીઓનો રોજગાર લગભગ બંધ જેવી સ્થિતિમાં છે અને તેઓ રોજીરોટી માટે ફાંફાં મારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગત તારીખ ૨૦ના રોજ જાહેરનામું બહાર પાડ્યા બાદ પણ એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં ગટરનું માત્ર ૨૦ ટકા જેટલું જ કામ પૂર્ણ થયું છે, જ્યારે ૮૦ ટકા જેટલું કામ હજુ બાકી છે. જ્યાં કામ ચાલી રહ્યું છે, ત્યાં વેપારીઓને પોતાના ધંધા રોજગાર બંધ રાખવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આના કારણે તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.









































