સાવરકુંડલાના વોર્ડ નં. પના રહીશો દ્વારા આગામી પાંચ દિવસમાં રોડનું અધૂરૂ પડેલું કામ શરૂ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાથસણી રોડ, ખોડિયાર નગર સોસાયટીના વોર્ડ નં. પમાં નવો આરસીસી રોડ બનાવવા માટે આશરે ૬ થી ૭ મહિના પહેલા ખોદકામ કરેલ છે. ત્યાર બાદ આજદિન સુધી રસ્તો પૂરો કરવામાં આવેલ નથી. ખોદકામ કરી નખાતા ર૦ જેટલા ઘરના રહીશોને તકલીફ પડી રહી છે. ખોદકામ દરમિયાન અનેક સ્થળે ગટરની કુંડીઓ તોડી નાખવામાં આવી છે. આ બાબતે અગાઉ રજૂઆતો કર્યા છતાં કોઇ પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે રહીશો દ્વારા આજે પાલિકા કચેરી ખાતે આવેદન પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ છે.