સાવરકુંડલા-લીલીયા વિધાનસભા ક્ષેત્રમાં પાણી સંગ્રહ વ્યવસ્થા મજબૂત કરવા માટે કુલ રૂ. ૩૦૩.૯૩ લાખના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ ખેતીમાં હરિત ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેક્ટ્‌સ માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, મંત્રીઓ અને સચિવ કક્ષાએ રજૂઆત કરી હતી. મંજૂર થયેલા પ્રોજેક્ટ્‌સમાં કૃષ્ણગઢ ગામના તળાવને મજબૂત કરવા માટે રૂ. ૧૪૬ લાખ, નાવલી નદી પર ઉપરવાસમાં આવેલા સૂકનેરા તળાવને ઊંડું કરી પ્રોટેક્શન દીવાલ બનાવવા માટે રૂ. ૧૦૯.૬૨ લાખ અને લીલીયાના બોડિયા ગામના તળાવને ઊંડું કરી પ્રોટેક્શન દીવાલ બનાવવા માટે રૂ. ૪૮ લાખનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્‌સનો મુખ્ય ઉદ્દેશ્ય નદીઓ અને તળાવોને ઊંડા કરી પાણીનો સંગ્રહ વધારવાનો છે, જેથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે અને ખેડૂતો બારેમાસ ખેતી કરી શકે.