સાવરકુંડલા માર્કેટયાર્ડ (APMC) દ્વારા ખેડૂત કલ્યાણલક્ષી પહેલના ભાગરૂપે ‘જનતા પર્સનલ એક્સિડેન્ટ વીમા પોલિસી’ યોજના અન્વયે અકસ્માતથી અવસાન પામેલા પાંચ ખેડૂતોના વારસદારોને રૂ. ૧-૧ લાખની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ, માર્કેટયાર્ડ સમગ્ર તાલુકાના દરેક ખાતેદાર ખેડૂતોના જૂથમાં વીમા પ્રીમિયમ દર વર્ષે ભરીને ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૦,૦૦૦/- ના અકસ્માત વીમા કવચથી આવરી લે છે. આ પ્રસંગે, પીઠવડી ગામના સ્વ. હિંમતભાઈ ઘુઘાભાઈ રાઠોડ, અમૃતવેલ ગામના સ્વ. વલ્લભભાઈ બાવભાઈ દેવાણી, ખડસલી ગામના સ્વ. રસિકભાઈ નાગજીભાઈ દોંગા, લીખાળા ગામના સ્વ. ગોરધનભાઈ રામભાઈ દેવાણી અને વણોટ ગામના સ્વ. નાગજીભાઈ વાઘજીભાઈ જીકાદરાના વારસદારોને સાવરકુંડલા (APMC) ના ચેરમેન દીપકભાઈ માલાણીના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.