સાવરકુંડલા તાલુકાના બાઢડાથી મહુવા તરફ જતા સ્ટેટ હાઇવેના નિર્માણ કાર્યમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતથી ‘લાલિયાવાડી’ ચાલતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. હાલમાં આ માર્ગ પર મોટા પાયે આરસીસી કામગીરી ચાલી રહી છે, પરંતુ નિર્ધારિત ગુણવત્તાના ધોરણોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સિમેન્ટ કોંક્રિટનું કામ પૂર્ણ થયા બાદ સૌથી મહત્વનું ગણાતું ‘ક્યુરિંગ’ (પાણીનો છંટકાવ) બિલકુલ કરવામાં આવતું નથી. આશ્ચર્યની વાત તો એ છે કે, લાખોના ખર્ચે ચાલતા આ સરકારી પ્રોજેક્ટમાં જવાબદાર અધિકારીઓ ક્યારેય સ્થળ તપાસ માટે ફરકતા પણ નથી. તંત્રની આ નિષ્ક્રિયતા સામે લોકમુખે અનેક ચર્ચાઓ જાગી છે કે શું અધિકારીઓ જાણીજોઈને આંખ આડા કાન કરી રહ્યા છે?