સાવરકુંડલા-મહુવા રોડ પર નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજના કાર્યને કારણે ચોમાસામાં નાગરિકોને હાલાકી ન પડે તે માટે વૈકલ્પિક સર્વિસ રોડનું RCC કાર્ય હાથ ધરાયું છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સ્થળની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને તેને વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. ધારાસભ્યએ કામગીરીની ગતિ ઝડપી બનાવવા અને નાગરિકોની સલામતી તથા સુવિધા માટે સર્વિસ રોડના ગુણવત્તાસભર કામ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, “ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે. આ કામગીરી સમયમર્યાદામાં પૂરી કરવા તંત્રે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ.” આ મુલાકાત દરમિયાન નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.