સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરિત પરશુરામ સેના દ્વારા આયોજિત ભગવાન પરશુરામ દાદાનો પ્રાગટ્ય મહોત્સવ કબીર ટેકરી ખાતે યોજાયો હતો. જેમાં વૈદિક પૂજન અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં હજારો ભૂદેવ પરિવારો સાથે રજવાડી રથ, અતિ આધુનિક લાઇટિંગ, ડીજે અને વિવિધ ફ્‌લોટ સાથે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર બ્રહ્મકન્યાઓ દ્વારા સમાજ સુધારણા અને સશક્તિકરણ એકતા દેખાઈ હતી. શોભાયાત્રા પૂર્ણ થયા પછી કબીર ટેકરી ખાતે બ્રહ્મસમાજના આગેવાનો તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રહ્મચોર્યાસી રાખવામાં આવી હતી. બ્રહ્મભોજનનાં મુખ્ય દાતા સોમનાથ મહાદેવ તેમજ ગિરીશભાઈ રાજ્યગુરુ અને પરાગભાઈ ત્રિવેદી દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ સેનાના તમામ સેનાનીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.