સાવરકુંડલા પંથકમાં યુરીયા ખાતરની સાથે અન્ય ખાતર ધાબડતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સીમરણ ગામના ખેડૂત ભરતભાઈ ચોડવડીયાએ ઉચ્ચ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે, ખેડૂતોને સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘ દ્વારા યુરીયા ખાતરની સાથે રૂ. ૭૦૦નું અન્ય ખાતર ફરજીયાત ધાબડવામાં આવે છે. જેથી અમોએ યુરીયા ખાતર લેવાની ના પાડતા મેનેજરે યુરીયા ખાતરની સાથે ફરજીયાત આ ખાતર લેવું પડશે તેવો આગ્રહ કર્યો હતો. ખરીદ વેચાણ સંઘના ગોડાઉનમાં યુરીયા ખાતરનો પૂરતો જથ્થો પડયો હોવાનું સામે આવ્યુ છે. આમ છતાં, ખેડૂતોને ફરજીયાત યુરીયા ખાતરની સાથે અન્ય ખાતરની બેગ આપવામાં આવે છે. જેથી ખેડૂતોને અન્ય ખાતર ધાબડવામાં આવતું હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. ખેડૂતોને યુરીયા ખાતર ન આપવા બદલ સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘનું ખાતર વેચાણનું લાયસન્સ તાત્કાલીક રદ કરવામાં આવે તેવી ખેડૂતે અંતમાં રજૂઆત કરી હતી.






































