સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં, ગઢિયા પેટ્રોલ પંપથી રેલવે સ્ટેશન રોડ સુધીના સી.સી. રોડ પર અતિશય ખાડાઓ પડી ગયેલા હતા, જેના કારણે રાહદારીઓને ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાથી આજુબાજુના વેપારીઓ પણ ત્રસ્ત થઈ ગયા હતા, કારણ કે ખરાબ રોડની સ્થિતિના લીધે વેપાર ધંધા પર પણ અસર પડી રહી હતી. આ મુદ્દે સ્થાનિક વેપારીઓએ કોંગ્રેસના નગરસેવક નાસીર ચૌહાણને રજૂઆત કરી હતી. નાસીર ચૌહાણે તાત્કાલિક આ મામલે પગલાં લઈ, રોડ પરના બાકી રહેલા ખાડાઓની મરામત કરાવી અને સમગ્ર રોડનું સમતલીકરણ કરાવ્યું હતું. આ કામગીરી બદલ સ્થાનિક વેપારીઓએ નાસીર ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે.