સાવરકુંડલા શહેર માટે વર્ષોથી નાગરિકો તથા દર્દીઓની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માંગણી “સાવરકુંડલામાં પોતાની આધુનિક બ્લડ બેંક” આજે સાકાર બની છે. આ મહત્વાકાંક્ષી સ્વપ્નને વાસ્તવિક રૂપ આપવા પાછળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સાવરકુંડલાના લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અથાગ પ્રયત્નો રહેલા છે. તેમના પ્રયત્નોથી આજે સાવરકુંડલામાં નવીન અને સુસજ્જ બ્લડ બેંકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ સાધુ-સંતોની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્ણ થયું. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું કે આ લોકાર્પણ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના કરકમલોથી પૂર્ણ થયું, જે આપણા માટે સન્માનની બાબત છે. આ બ્લડ બેંક માત્ર એક ઈમારત કે સુવિધા નથી; આ આપણા લોકો માટે જીવનદાયી આશા છે. હવે તાત્કાલિક રક્તની જરૂરિયાત માટે નાગરિકોને દૂર જવું નહીં પડે. આ અવસરને અનુરૂપ સદભાવના ગ્રુપ દ્વારા વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું. શહેરના યુવાનો, દાતાઓ અને સામાજિક કાર્યકરો દ્વારા ઉલ્લાસપૂર્વક રક્તદાન કરવામાં આવતાં માનવતાનો સુંદર સંદેશ પ્રસર્યો.
નવી બ્લડ બેંક માટે આ રક્તદાન અભિયાન પ્રારંભિક મજબૂતીરૂપ સાબિત થશે. આ બલ્ડ બેન્ક લોકાર્પણ તેમજ રક્તદાન કેમ્પ પ્રસંગે કલેકટર, ડીડીઓ, માનવ મંદિરના ભકિતરામ બાપુ સહિત નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, હોદ્દેદારો અને સદસ્યો, જિલ્લા, સાવરકુંડલા શહેર તેમજ તાલુકા સંગઠન હોદ્દેદારો, સભ્યો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.