સાવરકુંડલામાં નદી કાંઠે બિરાજમાન શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ દ્વારા જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૯મા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. વિક્રમ સંવત ૨૦૮૨ ના ચૈત્ર વદ ૧૧, સોમવાર તારીખ ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ આ મંગલમય ઉત્સવ ઉજવાશે. આ દિવ્ય પ્રસંગે આચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી પુરૂષોત્તમલાલજી મહારાજ (પૂ. રાજુબાવા) ખાસ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવશે. ઉત્સવના દિવસે સવારે ૧૦ઃ૩૦ કલાકે પલના તથા નંદ મહોત્સવના મનોરમ દર્શન થશે, જે બાદ ૧૧ઃ૩૦ કલાકે રાજભોગમાં તિલક આરતી કરવામાં આવશે. બપોરે ૧ઃ૦૦ કલાકે સમસ્ત વૈષ્ણવ ભક્તો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન રાખવામાં આવ્યું છે. અનેક ભાવિકો વિવિધ સેવાઓના મનોરથી બની આ અલૌકિક ઉત્સવમાં સહભાગી થયા છે. બેઠકજી ટ્રસ્ટ દ્વારા તમામ વૈષ્ણવ સૃષ્ટિને આ ભક્તિમય મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.








































