સાવરકુંડલાની કે.કે. હોસ્પિટલમાં ખુલ્લી ગટરમાં મચ્છરોનો ઉપદ્રવ થતો હોવાના કારણે અહીં બીમારીની સારવાર અર્થે આવતા લોકોની તબિયત સુધરવાના બદલે વધુ બગડે તેવું લાગી રહ્યું છે. એટલું જ નહીં હોસ્પિટલની આસપાસમાં અને પાછળના ભાગમાં રહેતા લોકો ગટરમાં વહેતા ગંદા પાણીની દુર્ગંધના કારણે અને મચ્છરોના ઉપદ્રવના કારણે ઘરના બારી-દરવાજા ખોલી નથી શકતા. એક તરફ ડેન્ગ્યુ, મલેરીયા જેવા રોગો ફાટી નીકળ્યા છે તો બીજી તરફ આ બેદરકારી જાવા મળી રહી છે. રહીશો દ્વારા હોસ્પિટલ સ્ટાફને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ઉચ્ચ અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠવા પામી છે.