૧૯૭૦માં બ્રહ્મલીન મહંત તપસ્વી શ્રી રામ પ્રતાપે શિવરાત્રી મેળામાં જૂનાગઢ ખાતે આવતા શ્રદ્ધાળુઓને રહેવા જમવાની સગવડતા મળી રહે તે માટે રાવટી શરૂ કરેલ તે સેવાને હાલના મહંત નારણદાસે પણ ચાલુ રાખી મેળામાં આવતા શ્રદ્ધાળુઓને આશીર્વાદરૂપ બની રહ્યા છે. છેલ્લા ૫૫ વર્ષથી ભવનાથ તળેટીમાં આનંદ મંદિર સામે સગર જ્ઞાતિ વાડી પાસેનાં પુલ નીચે વિશાળ જગ્યામાં આ રાવટી ઉભી કરવામાં આવે છે. અહીં શિવરાત્રીના પર્વમાં એક સપ્તાહ સુધી ભજન સાથે ચા, પાણી, ભોજન પ્રસાદ અને પથારી પાગરણની તમામ સુવિધા યાત્રાળુઓને પૂરી પાડવામાં આવે છે. કબીર ટેકરીના મહંત પોતે જ રાવટી ખાતે હાજર રહી સ્વયંસેવકોને માર્ગદર્શન આપી રહ્યા છે. આ રાવટીમાં સતત એક સપ્તાહ સુધી કબીર ટેકરીના સંતો, સેવકો અને અનુયાયીઓ યાત્રાળુઓની સેવા સરભરામાં રોકાશે. આ માટે કબીર ટેકરી દ્વારા આગોતરું આયોજન કરી પથારી, પાગરણ, ઘી, તેલ, અનાજ, કઠોળ સહિતનું રાશન જૂનાગઢ ખાતે પહોંચાડી ૪ માર્ચથી રાવટી તૈયાર કરવામાં આવી છે જેમાં નાત જાતના ભેદભાવ વગર તમામ યાત્રાળુઓને સગવડતા આપવામાં આવશે.