સાવરકુંડલા શહેરમાં આવેલ વી.ડી.કાણકિયા આટ્ર્સ એન્ડ એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે ગઈકાલે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન
આભાર – નિહારીકા રવિયા કરવામાં આવ્યું હતું. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સ (NISM) ના સંયુક્ત ઉપક્રમે બી.કોમ.ના વિદ્યાર્થીઓ માટે એક સેમિનાર અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને બચત અને રોકાણના ક્ષેત્રમાં જાગૃત કરવાનો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડા. એસ.સી. રવિયાએ ઉદ્ઘાટન સત્રમાં જણાવ્યું કે, “આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અમે આગામી સમયમાં પણ આવા મૂલ્યવર્ધક કાર્યક્રમોનું આયોજન કરતા રહીશું.”
સેમિનારમાં SEBI અને NISM SMART ટ્રેનર્સ ડા. વૈભવ પુરાણીક અને ડા. અપર્ણા પુરાણીક રાજકોટથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને SEBI ની સ્થાપનાથી માંડીને વર્તમાન સમયના રોકાણ, સિક્યોરિટી માર્કેટ, બેન્કિંગ, ફાઇનાન્સ, શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ જેવા વિષયો પર વિસ્તૃત માહિતી આપી હતી. સેમિનાર બાદ યોજાયેલી ઓનલાઇન ક્વિઝ સ્પર્ધામાં એફ.વાય., એસ.વાય. અને ટી.વાય. બી.કોમ.ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક વર્ગમાંથી ત્રણ-ત્રણ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન કોમર્સ વિભાગના અધ્યાપક ડા. હરેશ દેસરાણીએ કર્યું હતું, જ્યારે અન્ય અધ્યાપકો ડા. પટોળિયા અને ડા. કલ્પેશ રાડિયાએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.