શહેરમાં તંત્રની ઘોર બેદરકારી સામે રઘુવંશી અગ્રણી અને સેવાભાવી વરિષ્ઠ નાગરિક મુકુંદભાઈ નાગ્રેચાએ અવાજ ઉઠાવ્યો છે. અહીંના ફ્રેન્ડ્‌સ સોસાયટી સ્થિત પ્રસાદ બંગલા વિસ્તારમાં રોડ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા અધૂરા કામને કારણે સ્થાનિકો ભારે પરેશાન છે. ફેબ્રુઆરી ૨૦૨૫ થી રોડની વચ્ચોવચ જોખમી રીતે પડેલા વાદળી કેબલ અને માટીના ઢગલાથી અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.
આ વિસ્તારમાં ગુરુકુળ આવેલું હોવાથી દરરોજ સેંકડો નાના બાળકો અને રાહદારીઓ અહીંથી પસાર થાય છે. મુકુંદભાઈએ જણાવ્યું કે, આ કેબલના કારણે અનેક બાળકો ઠોકર ખાઈને પડ્‌યા છે. આ વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્યનું નિવાસસ્થાન હોવા છતાં તંત્ર નિષ્ક્રિય છે. કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ સમસ્યા ઉકેલાય તેવા હેતુથી મુકુંદભાઈએ તંત્રની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ કર્યો છે.