સાવરકુંડલા ખાતે કોળી સમાજની જ્ઞાતિ વાડીમાં સમસ્ત કોળી યુવા સંગઠનની એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગનો મુખ્ય હેતુ સમાજને એક નવી દિશા આપવાનો અને તેના સર્વાંગી વિકાસ માટેના આયોજન કરવાનો હતો. મિટિંગમાં ઉપસ્થિત યુવા અગ્રણીઓએ આવનારા દિવસોમાં ગામડે-ગામડે સંગઠનનો વ્યાપ વધારવા માટે કમિટીની રચના કરવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત, ઠરાવ સિસ્ટમથી સમાજના પ્રશ્નોને વાચા આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. સમાજને પડતી મુશ્કેલીઓ અને શૈક્ષણિક, આર્થિક, અને રાજકીય રીતે સમાજ કઈ રીતે આગળ આવી શકે તે માટે આયોજનબદ્ધ પ્લાનિંગ પણ તૈયાર કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં સાવરકુંડલા તાલુકાના મોટાઝિંઝુડા, નાનાઝિંઝુડા, પિઠવડી, ભેંકરા, ગાધકડા, લીખાળા, ડેડકડી, પિયાવા, વંડા, નેસડી, છાપરી, મઢડા અને કાનાતળાવ સહિત સાવરકુંડલા શહેરમાંથી મોટી સંખ્યામાં સમાજહિતેચ્છુ યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા.