સાવરકુંડલામાં વડીલોપાર્જિત મકાનમાં રહેવા બાબતે અને ઘરકામ કરવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈને ત્રણ શખ્સોએ પરિવારના જ સભ્યો પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી હતી. બનાવ અંગે શરીફાબેન હુસૈનભાઇ માલવીયાએ ઇમરાનભાઇ ઇસ્માઇલભાઇ માલવીયા, અફસાનાબેન ઇમરાનભાઇ માલવીયા તથા હલુબેન ઇસ્માઇલભાઇ માલવીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ફરિયાદી મહિલાનું સાવરકુંડલામાં વડીલોપાર્જિત મકાન આવેલું છે, જેમાં આરોપીઓ વસવાટ કરે છે. આ મકાનના બાથરૂમમાં પરિવારના એક સભ્ય કપડાં ધોવા માટે ગયા હતા. આ બાબત આરોપીને પસંદ ન આવતા તેઓએ તકરાર શરૂ કરી હતી. તેમજ ઉશ્કેરાઈ જઈને તેમને શરીરે ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો.ઉપરાંત બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.જે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.







































