અંગ દઝાડતી કાળઝાળ ગરમીમાં રાહદારીઓની તરસ છીપાવવાના ઉમદા હેતુથી લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા શહેરના મધ્યમાં રિદ્ધિ-સિદ્ધિ ચોક ખાતે શુદ્ધ મિનરલ વોટર સુવિધા યુક્ત પાણીના પરબનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પરબ આગામી બે મહિના સુધી કાર્યરત રહેશે. ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે અને હનુમાન પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શરૂ થયેલા આ પરબથી પસાર થતા રાહદારીઓ આકરી ગરમીમાં શુદ્ધ મિનરલ વોટરથી પોતાની તરસ છીપાવી શકશે. આ પરબના પ્રારંભ પ્રસંગે માનવ મંદિરના ભક્તિરામબાપુ અને સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ લાયન્સ ક્લબની આ સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે શહેરના મધ્યમાં શરૂ થયેલું આ પરબ શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતા માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થશે. આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ પ્રતીક નાકરાણી, વાઈસ પ્રેસિડેન્ટ નિલેષ વાઘેલા, સેક્રેટરી દિનેશ કારીયા, ટ્રેજરર જતીન બનજારાના આમંત્રણને માન આપી નીમેશભાઈ પટેલ, દેવચંદભાઈ કપોપરા, કરશનભાઈ ડોબરીયા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી, એમ દીપકભાઈ
પાંધીએ એક યાદીમાં જણાવ્યું હતું.